રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી.
રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા.
મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી. ભગવાના રથની સોનાની સાવરણીથી પહિંદવિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
મુખ્યમંત્રી રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્સવ ગણાવી રાજય સહિત દેશમાં સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રભુ જગન્નાથને પ્રાર્થના કરી હતી.
આ પાવન પર્વે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રથના દર્શન કરી પૂજા કરી હતી.
રથયાત્રાનો સમગ્ર રૂટ જય જગન્નાથ, જય રણછોડ-માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યો છે. ચારેકોર માનવ મહેરામણ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યો હતો. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ઝાંખી દર્શાવતા ટ્રક, 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડવાજા જોડાયા હતા. રથ ખેંચવા 1 હજારથી વધુ ખલાસીઓ જોડાયા હતા. રથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબું, 300 કિલો કેરી, 400 કીલો કાકડી, સહુતનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
બે હજાર વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાયા હતા. બપોરે મોસાળ સરસપુર પહોંચેલા ભગવાનના દર્શન માટે લાખ્ખો લોકોની ભીડ જામી હતી. ભગવાનના સ્વાગત સમયે શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો હતો. ભક્તિમય અદભુત માહોલ સર્જાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એમ ત્રણેય ભાણેજ મોસાળમાં આ વર્ષે રજવાળું મામેરું કરાયું હતું. દોઢ લાખથી વધુ લોકોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.
મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાનેથી સી.એમ.ડેશ બોર્ડના વિડિયો પર રથયાત્રાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યંમત્રીએ અડાલજના જગન્નાથ મંદિર ખાતેથી પણ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
રથયાત્રામાં 18 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. 47 સ્થળો પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1 હજાર બોડીવોર્ન કેમેરા દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખી હતી. રથયાત્રા રૂટ પર દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલા 1400 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી. રથયાત્રા રૂટ પર મેડીકલ ટીમો, એમ્બ્યુલન્સ, જન સહાયતા કેન્દ્રો પણ ઉભા કરાયા હતા. દરમ્યાન, 40થી વધુ લોકોને બેભાન થઇ જવા, ચક્કર આવવા, ઉલટી થવી જેવી ફરિયાદો થતા તબીબી સહાય પૂરી પડાઇ હતી.
રથયાત્રા દરમ્યન કોમી એખલાસના સુંદર દ્રશ્યો જોવા મળ્યા, દરિયાપુરમાં મુસ્લિમ આગેવાનોએ રથનું સ્વાગત કર્યું હતું. જગન્નાથના જયઘોષ સાથે રાત્રે 9 વાગ્યા બાદ ત્રણેય રથ નીજ મંદિર પરત ફર્યા હતા.
Site Admin | જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM) | aakahvani | aaksvaninews | Ahmedabad | Gujarat | gujaratpolice | newsupdate | Rathyatra