અમદાવાદમાં ડ્રોનની મદદથી મચ્છરોના ઉપદ્રવને અટકાવવાના પાઇલોટ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉપદ્રવ અટકાવવાની આ આગવી પહેલ કરવામાં અમદાવાદ જિલ્લા પંચાયત મધ્ય ગુજરાતમાં પ્રથમ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ચાંગોદર ગ્રામીણ તેમજ ઔદ્યોગિક વિસ્તાર અને સાણંદના ઔદ્યોગિક વિસ્તારોમાં ડ્રોનની મદદથી મચ્છરોના ઉપદ્રવ અટકાવવાની કામગીરી કરવામાં આવશે. માણસની પહોંચથી દૂર એવા ઊંચાઈ પરનાં સ્થાનો તેમજ અંતરિયાળ સ્થળોએ, મકાનોની અગાશી પર ખુલ્લી ટાંકીઓ, ટાયર, પાણીનાં ખાબોચિયાં જેવાં મચ્છરનાં શોધવા ડ્રોન સર્વેલન્સ કરશે. મચ્છરનાં ઉત્પતિસ્થાનોને ઓળખી ત્યાં દવા છંટકાવની કામગીરી પણ ડ્રોન કરશે.
આ ડ્રોનના કાર્ય વિસ્તારની ત્રિજ્યા ૨૫ કિમી નિયત કરાઇ છે જે એકવારમાં ૧૦ લીટર જેટલી દવા લઈને ઉડાન ભરી શકે છે. અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમ હવે ડ્રોન ટીમને સાથે રાખી રિમોટ સ્થાનો, દુર્ગમ સ્થળોનું સર્વેલાન્સ કરશે અને મચ્છરનાં ઉત્પતિસ્થાનોને નાબૂદ કરશે.