અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અપાશે. આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટેની સાથે જ અરજદારે ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે. ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા અને સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
જો એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થનાર હોય તો સરઘસ અંગેની પરમીટ પોલીસ કમિશનરની કચેરી, વિશેષ શાખા તરફથી આપવામાં આવશે. આયોજકો અરજીની સાથે જે તે વિસ્તારનાં વર્ચસ્વ ધરાવતી ૧૫ થી ૨૦ વ્યક્તિના નામ- સરનામાં આપવાના રહેશે. ઉપરાંત ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તથા સરઘસના રૂટની વિગતો ફરજીયાતપણે આપવાની રહેશે.