અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની કથિત બેદરકારીને પગલે બે દર્દીનાં મૃત્યુ થતાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું છે કે આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરાશે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં તાજેતરમાં હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. હેલ્થ ચેકઅપ કેમ્પ બાદ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી બે વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને સાત લોકો હાલ આઇસીયુમાં દાખલ છે. આ સાથે એએમસીની ટીમ પણ તપાસ કરી રહી છે.
દરમિયાન હોસ્પિટલની બેદરકારીના કારણે સ્વસ્થ લોકો મૃત્યુ પામ્યા હોવાના આક્ષેપના પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ ખાતે પહોંચી તોડફોડ કરી હતી. હોસ્પિટલે પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોની એન્જિયોગ્રાફી અને 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી હતી, જેમાંથી બે દર્દીનાં મૃત્યુ થયા હતા.
આ અંગે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-PMJAYનાં હેલ્થ મિશન ડાયરેક્ટર ડોક્ટર યુ ટી ગાંધીએ જણાવ્યું હતું કે દર્દીઓને ખરેખર ઓપરેશનની જરૂર હતી કે નહીં તે અંગે નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂર પડ્યે હોસ્પિટલનું પેમેન્ટ સ્થગિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કસૂરવાર ડોક્ટરો અને હોસ્પિટલ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 12, 2024 3:05 પી એમ(PM)