અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃસ્થાપનના કાર્યોની સમીક્ષા કરી હતી.શ્રી સંઘવીએ સર્વેની કામગીરી પૂરજોશમાં કરાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આગામી દસ દિવસ સુધી આરોગ્યલક્ષી સર્વેલન્સની કામગીરી કરવામાં આવશે.વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળી ૧૯ હજાર ૯૦૪ વ્યક્તિનું સ્થળાંતર અને ૬ હજાર ૩૩૦ લોકોનો બચાવાયા હતા. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વીમાકંપનીઓ સાથે સંકલન સાધીને વીમાની રકમ અસરગ્રસ્તોને ઝડપથી મળે તે માટેની ચર્ચા કરવામાં આવી રહી છે.
દરમિયાન કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને કુલ ૬ લાખ ૪૭ હજાર ૯૨૦ રકમની કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરોમાં ૬૭૦ અસરગ્રસ્ત પરિવારોને ૨૧ લાખ ૧૭ હજારની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે.
૧ હજાર ૨૭૨ પશુ મૃત્યુના કેસમાં અત્યાર સુધી ૪૨૩ પશુઓ માટે ૧૭ લાખ રૂપિયાથી વધુની સહાય ચુકવી દેવાઇ છે જયારે ૧ હજાર ૯૮ પશુઓની સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે. જયારે આંશિક પાકા મકાન, આંશિક કાચા મકાન, ઝુંપડા સહાય, માનવ મૃત્યુ તથા માનવ ઇજામાં સહાય આપવાની કામગીરી પ્રગતિમાં છે.