હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને ગઈ કાલે રાત્રે મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનરનો તેમના જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલા માનવ મૃત્યુ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી પુરવઠા, પશુ મૃત્યુ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર .એફની ટીમોની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
આ ઉપરાંત તેમણે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા જણાવ્યું હતું. આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને જોતાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે..
વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા અને વીજ પુરવઠો પૂર્વવત થાય અને ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનીટરીંગ થાય તે અંગે સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવે આદેશ આપ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:08 એ એમ (AM)