મ્યાનમાર અને થાઈલેન્ડમાં ગઇકાલે આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1000 થયો છે. મ્યાનમાર સરકારે જણાવ્યા પ્રમાણે 1 હજાર 2 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે અને 2થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 30 અન્ય ગુમ છે. વિગતવાર આંકડા હજુ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા હોવાથી આ સંખ્યા હજુ પણ વધી શકે છે. મોટાભાગના મૃત્યુ મ્યાનમારના મંડલેમાં થયા છે,જે ભૂકંપના કેન્દ્રની સૌથી નજીક છે.થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં, છ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. 26 ઇજાગ્રસ્ત થયા છે અને 47 લાપતા છે.
દરમિયાન અહી વિશ્વભરના ઘણા દેશો સહાય મોકલી રહ્યા છે. ભારતે શોધ અને બચાવ ટીમ, તબીબી ટીમ અને વધારાની જોગવાઈઓ મોકલી છે. ભૂકંપગ્રસ્ત મ્યાનમાર માટે ભારતના રાહત કાર્ય ઓપરેશન બ્રહ્મા હેઠળ 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો આજે યાંગોન પહોંચ્યો છે. રશિયાના કટોકટી મંત્રાલયે ૧૨૦ બચાવકર્તાઓ અને પુરવઠા સાથે બે વિમાનો રવાના કર્યા છે. ચીનની ૩૭ સભ્યોની એક ટીમ યાંગોન શહેરમાં પહોંચી છે. જ્યારે મલેશિયા આવતીકાલે ૫૦ લોકોને ભૂકંપ ડિટેક્ટર, ડ્રોન અને અન્ય પુરવઠા સાથે મોકલશે. સંયુક્ત રાષ્ટ્રએ રાહત પ્રયાસો શરૂ કરવા માટે ૫૦ મિલિયન ડોલર પણ ફાળવ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાં 7.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ 6.4 ની તીવ્રતા ધરાવતા એક ભૂકંપ સહિત અનેક આફ્ટર શોક નોંધાયા હતા. તેના કારણે ઘણા વિસ્તારોમાં ઇમારતો, રસ્તાઓ, પુલ અને ડેમ તૂટી ગયા હતા.
Site Admin | માર્ચ 29, 2025 12:59 પી એમ(PM)
મ્યાનમાર-થાઈલૅન્ડમાં આવેલા ધરતીકંપમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1000એ પહોંચ્યો
