જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ હિલ સ્ટેશન પર ગઈ કાલે થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતી અને બે વિદેશી સહિત ઓછામાં ઓછાં 16 પર્યટકોનાં મૃત્યુ અને 20ને ઇજા થઈ છે. સત્તાવાર યાદી પ્રમાણે મૃતકોમાં નેપાળ અને યુએઇનાં એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં બે-બે અને હરિયાણા, ઉત્તરપ્રદેશ,અને જમ્મુ કાશ્મીરનાં એક એક નાગરિકનો સમાવેશ થાય છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પહેલગામ શહેરથી છ કિલોમીટર દૂર બૈસરન મેદાનમાં બપોરે અઢી વાગે થયેલા આ હુમલામાં મૃતકોની સંખ્યા વધુ હોઈ શકે છે.
આ ઘટનાની દેશનાં તમામ રાજકીય પક્ષોનાં વરિષ્ઠ નેતાઓએ ટીકા કરી છે.
રાષ્ટ્રપતિ મૂર્મૂએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાની ટીકા કરતા કહ્યું, આ જઘન્ય કૃત્ય માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા સામે સમગ્ર દેશ એક જૂથ છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઘટનાની નિંદા કરી હતી અને મૃતકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોએ કાયરતાપૂર્ણ હૂમલાનાં વિરોધમાં કેન્ડલ માર્ચ યોજી હતી.
વિશ્વભરનાં નેતાઓએ આ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે મજબૂત રીતે ઊભું છે.
ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સે આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યું. યુએઇ અને ઇરાને પણ ત્રાસવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે.
Site Admin | એપ્રિલ 23, 2025 8:14 એ એમ (AM)
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હૂમલામાં એક ગુજરાતી સહિત ઓછામાં ઓછાં 16 પર્યટકોનાં મૃત્યુ અને 20ને ઇજા
